રાજકોટમાં દર મહિને પોષણ કિટથી 4000 બાળકો બન્યા સુપોષિત

કુપોષણ આજે પણ અનેક બાળકોના સ્વસ્થ વિકાસમાં મોટો અવરોધ બની રહ્યું છે. ત્યારે સમાજમાં માનવતાની સાચી સેવા કરતી શેર વિથ સ્માઈલ નામની સંસ્થા દ્વારા કુપોષિત બાળકોને દર મહિને પોષણ કિટ આપે છે. આ સતત પ્રયાસના પરિણામે 7 વર્ષમાં 4000 બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા મળી છે.

સંસ્થા દર મહિને 200થી વધુ બાળકોને ન્યુટ્રિશન એટલે કે પોષણ કિટ આપે છે જેમાં ન્યુટ્રિશનના પાઉડર ઘી,ગોળ,ખજૂર, દાળિયા સહિતની કિટનું વિતરણ કરે છે. આ કિટમાં ત્રણ તબક્કાઓ જોવા મળે છે. પહેલા અતિ કુપોષિત ત્યારબાદ મધ્યમ અને પછી સામાન્ય બાળક બને છે.

દર મહિને થતા કેમ્પમાં બાળકની સાથે તેમની માતા પણ હાજર હોય છે ત્યારે આરોગ્યની ટીમ બોલાવી માતાઓનું પણ કાઉન્સેલિંગ કરી સમજણ આપવામાં આવે છે. આ ટીમ દ્વારા બાળકોની ઊંચાઈ, વજન તથા મેડિકલ ચેકઅપ કરી બાળકને જો બીજી બીમારી હોય તો તેની નિ:શુલ્ક દવા પણ આપે છે.

આ તકે સંસ્થાના પ્રમુખ કપિલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગ્રૂપમાં 250થી વધુ સભ્ય છે. જેમાં કોઈનો બર્થ ડે, સ્વજનની તિથિ, એનિવર્સરી જેવા દિવસો આવતા હોય તો અન્ય જગ્યાએ ખર્ચ ન કરી દરેક લોકો ફંડ ભેગું કરે છે અને કેમ્પમાં ઉપયોગ કરે છે.

આવા દિવસે ખોટા ખર્ચા ન કરી દરેક લોકો પુણ્યનું ભાથું બાંધે છે. દરેક સેવાકીય સંસ્થા ઘણા સેવાકીય કાર્યો કરે છે, પરંતુ આવા બાળકો માટે કોઈ કાર્ય ન કરતું હોવાથી આ કુપોષિત બાળકો માટે સેવાયજ્ઞ હાથ ધરાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *