MS યુનિ. ગર્લ્સ હોસ્ટેલ બહાર યુવકના જાહેરમાં અશ્લીલ ચેનચાળા

સંસ્કારનગરી વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર એક શખશનો અભદ્ર વર્તન કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બાઈક પર બેઠેલો યુવક અશ્લીલ ચેનચાળા કરતો હોવાનો યુવતીએ વાઇરલ કરેલા વીડિયોમાં દાવો કર્યો છે. વીડિયોને આધારે સયાજીગંજ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

યુવકની અશ્લીલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ ગર્લ્સ હોસ્ટેલની બહાર એક યુવક બાઈક પર બેઠો હતો અને અભદ્ર વર્તન કરી રહ્યો હતો. જેનો વીડિયો એક યુવતીએ ઉતાર્યો હતો. આ વીડિયો બનાવી યુવકની અશ્લીલ હરકતને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં યુવતી કહે છે કે, અમારી હોસ્ટેલની બહાર જ આટલી ખરાબ હરકત જોઈને મારું મગજ ખરાબ થઈ ગયું. અમે ફતેગંજથી જમવાનું લઈને આવી રહ્યા હતા, તે સમયે આ ઘટના બની હતી. તેને પોતાની પેન્ટની ઝીપ ખુલ્લી રાખી હતી. આ સમયે હોસ્ટેલની છોકરીઓ બહાર હાજર હતી. તેને બિલકુલ શરમ નહોતી કે, તે શું કરી રહ્યો છે. એ શખસની હરકત જોઈને છોકરીઓ ગભરાઈ ગઈ હતી, પરંતુ તે શખસને કોઈ ડર ન હતો.

‘છોકરીઓ આવી રહી હતી છતાં શખસને કોઈ શરમ નહોતી’ યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ હિંમત દાખવીને તેને આ બાબતે વાત કરવા જતા તે ભાગી ગયો હતો. સામેથી છોકરીઓ આવી રહી હતી તેમ છતાં શખસને કોઈ શરમ નહોતી. પબ્લિક પ્લેસમાં આવું કરી રહ્યો છે. લોકો આ પ્રકારના અભદ્ર વર્તન કરે છે અને તેમને એવું લાગે છે કે તમને કોઈ કંઈ નહીં કહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *