રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. 33 દિવસ પહેલા ત્રણ સંતાનોના પિતા એવા રેમસીંગ નામના આરોપીએ બાળકીનું અપહરણ કરી આવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માસૂમના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી લોહીલુહાણ કરી નાખી હતી. બાળકીને તાત્કાલીક સારવાર માટે ખસેડી દેવાતા બચાવ થયો હતો.
પોલીસે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. 34 દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો. સજાનું એલાન 15મી જાન્યુઆરીએ કરાશે.
કાનપર ગામે બપોરના 12 વાગ્યે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે રમતી હતી ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવી અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળીયો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલ તેની મામી દોડી આવી ત્યારે આરોપી રેમસીંગ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બાળકીની ગંભીર હાલત અને સખ્ત રકતસ્ત્રાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રીના 9 વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરેલ પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તા.08.12.2025ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. આ ઉપરાંત બનાવ સ્થળે એફ.એસ.એલ. અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા જયાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનુ ડી.એન.એ. પરીક્ષણમાં સામે આવ્યું હતું તેમજ લોખંડના સળીયા ઉપરનુ લોહી બાળકીનુ હોવાનુ સામે આવ્યું હતું.