આખા શરીરે કીડીના ચટકાના લીધે દર્દથી ચિત્કારતું બાળક રીબડા પાસેથી મળ્યું

ગોંડલ તાલુકાના રીબડા જીઆઇડીસી પાસે આવેલા ખાડામાં કોઇ નાનું બાળક દર્દથી કણસતું હોવાની જાણ કોઇ જાગૃત નાગરિકને થઇ હતી અને તેમણે 112ને કોલ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની સ્થિતિ અત્યંત દયનીય સ્થિતિ જોઇ 108ને બોલાવાઇ હતી. ખાડામાં ફેંકી દેવાયેલા બાળકના આખા શરીરે કીડીઓ ચડી ગઇ હતી અને કાન તેમજ મોઢા પર કીડીના ચટકાના લીધે સોજો આવી ગયો હતો,

તેમજ માથામાં પણ સોજો છે. કીડીના ચટકાથી બાળક દર્દથી કણસતું હતું. ત્યાંથી પસાર થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના આગેવાનોએ તેને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપી હતી અને બાળકની સ્થિતિ પામી રાજકોટ સિવિલમા ખસેડાયું હતું, જ્યાં તેની હાલત ભયજનક ગણાવાઇ રહી છે. તબીબોએ તેની સારવાર શરૂ કરી દીધી છે અને તાલુકા પોલીસ તેના વાલી, વારસની શોધખોળમાં લાગી ગઇ છે.

બાળકને ફેંકી દેવાયું, પરિવારથી વિખુટું પડી ગયું કે પછી અન્ય કોઇ કારણ છે તે અંગે તાલુકા પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રવિવારે સવારે રીબડા જીઆઇડીસી પાસેથી અઢીથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું હતું અને ખાડામાં તેના આખા શરીરે કીડીઓ ચોંટી હતી અને કીડીના ચટકાના લીધે અસહ્ય દર્દથી તે કણસી રહ્યું હતું.આથી ૧૦૮ને બોલાવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવ્યું છે.

બાળક સતત રો-કકળ કરતુ હતું અને પાપાનો સાદ દઇ રહ્યું હોવાથી ૧૦૮ના સ્ટાફે તેને હુંફથી સંભાળ્યું હતું અને મોબાઈલ રમવા આપીને શાંત કરી સિવિલ હોસ્પિટલ સુધી પહોચાડ્યું હતું. રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે, હોસ્પિટલે દોડી ગયો હતો, બાળક અંગેની માહિતી મેળવી હતી. હાલમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *