ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જનતાની સલામતી માટે એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. રેલવે પ્રશાસને પતંગબાજોને અપીલ કરી છે કે, રેલવે લાઈન પાસે પતંગ ઉડાડતી વખતે 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનોથી સુરક્ષિત અંતર જાળવવું, નહીંતર આનંદનો આ તહેવાર માતમમાં ફેરવાઈ શકે છે.
સામાન્ય રીતે પતંગબાજો પતંગ ચગાવતી વખતે ઉત્સાહમાં રેલવે ટ્રેકની ગંભીરતા ભૂલી જતા હોય છે. આ 25,000 વોલ્ટનો પાવર એટલો ખતરનાક છે કે તેને અડવાની જરૂર નથી પડતી, જો પતંગનો માંજો તેની નજીક પણ જાય તો હવામાં ‘આર્ક’ પેદા કરીને કરંટ સીધો નીચે ઉતરી શકે છે.
ખાસ કરીને મેટાલિક કોટિંગ વાળા માંજા અથવા ઝાકળને કારણે ભેજવાળી બનેલી દોરી વીજળીના શ્રેષ્ઠ વાહક તરીકે કામ કરે છે, જે પતંગ ઉડાવનારના હાથમાં સેકન્ડના સોમાં ભાગમાં મોતનો કરંટ પહોંચાડી શકે છે.
આટલી તકેદારી રાખવી જરૂરી પતંગ કાઢવાનો પ્રયાસ ન કરવો જો તમારી પતંગ કે દોરી રેલવેના વાયરોમાં ફસાઈ જાય, તો તેને લોખંડના સળિયા, લાકડી કે અન્ય કોઈ પણ વસ્તુથી કાઢવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.
રેલવે ટ્રેકથી અંતર રેલવે ટ્રેકની આસપાસ પતંગ ઉડાડવી એ માત્ર જીવલેણ જ નથી, પરંતુ કાયદાકીય ગુનો પણ છે. ટ્રેક પરથી પસાર થતી ટ્રેન અને હાઈ-વોલ્ટેજ લાઈન બંનેથી દૂર રહેવું હિતાવહ છે.