ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસ અને ઇન્દોરમાં દૂષિત પાણીથી મોતની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી ગઇ છે અને રાજકોટમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પાણીનું સઘન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમામ 18 વોર્ડમાં ઉતરેલી 37 ટીમે પાણીના 358 સેમ્પલ (આરસી) લીધા હતા.જે તમામ પોઝિટિવ હોવાના રિપોર્ટ આવતા તંત્રે રાહતનો દમ લીધો હતો.
મનપાની આરોગ્ય વિભાગની ટીમે પાણીજન્ય રોગ અટકાયતી પગલાંઓ, સર્વેલન્સ અને રોગ નિયંત્રણ કામગીરી કરી છે.
જાહેર જનતાને સલામત પાણી અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવા તથા રોગચાળા અટકાયતી કામગીરી કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓ, તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો તથા વોટર મેનેજમેન્ટ યુનિટના એન્જિનિયર, કેમિસ્ટ તથા અન્ય સ્ટાફ સાથે મિટિંગ રાખવામાં આવી હતી.
જેમાં પીવાના પાણીને લગત રોગ, ક્લોરિનેશનની ગુણવત્તા, જાહેર જનતાને વધુ આરોગ્યસભર સુવિધાઓ કઈ રીતે પૂરી પાડવી તેમજ રોગચાળો ફેલાતો કઈ રીતે અટકાવવો વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે શહેરના તમામ વોર્ડમાં આવેલ જુદા જુદા વિસ્તારોમાં પાણી આવવાના સમયે ઘરની મુલાકાત લઈ પીવાના પાણીના રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટિંગ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગઇકાલે સઘન સેમ્પલ ઝુંબેશ કરાઇ હતી.