બાટલી ગેંગને ‘બાટલી’માં પૂરી બૂચ માર્યું, ગુજસીટોક લગાવ્યો

રાજકોટ શહેરમાં આતંક ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી બાટલી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકનો દાખલ કરવામાં આવ્યો છે. 14 સાગરીતોની ગેંગ સામે વર્ષ 2016 થી 2025 દરમ્યાન ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબધી ગુનાઓ આચરવા, ઘરફોડ ચોરી, પોલીસની ફરજ રૂકાવટ તથા ઇજા, ધમકીઓ આપવી તેમજ એન.ડી.પી.એસના વેચાણ સહિતના 57 ગુના નોંધાઈ ચૂક્યા છે. જેનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી સહિત 10 શખ્સો પોલીસના કબજામાં છે. જ્યારે 4 આરોપીઓ હજુ પકડવાના બાકી છે.

આ બાબતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતુ કે, રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિ અને ડામવા માટે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના છે ત્યારે ગેંગ વોરને ખતમ કરવા માટે ક્રાઈમ બ્રાંચ સજ્જ છે. આ દરમિયાન રાજકોટમાં બાટલી ગેંગના 14 શખ્સો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગ રેલનગર અને રૂખડીયાપરામાં એક્ટિવ છે.

આ ગેંગનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા (રહે. વાલ્મીકીવાડી શેરી નં.3, જામનગર રોડ રાજકોટ શહેર) હાલ પાસા હેઠળ વડોદરા જેલ ખાતે છે. જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામા આવશે. આ સિવાય 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યા 4 આરોપીઓ પકડવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *