રાજકોટમાં પ્રેસની ખોટી ઓળખ આપી એક શખસે લેડી ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરની કોઠારીયા ચોકડી પાસે વાહન ચેકિંગમાં રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોકતા તે સંજય ધામેચા નામના શખસે પ્રેસમાં હોવાની ખોટી ઓળખ આપી દંડ ભર્યો ન હતો. જે બાદ ઝપાઝપી કરી મહિલા ટ્રાફિક પોલીસને કાંડામાં ઇજા પહોંચાડી હતી. જોકે, આ અંગે આજીડેમ પોલીસે ફરજમાં રૂકાવટનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
‘હું પ્રેસમાંથી છું અને મારુ નામ સંજયભાઈ ધામેચા છે’ રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલબેન પરમારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીના બપોરે કોઠારીયા ચોકડી બ્રિજ ઉપર ફરજ પર હતા ત્યારે 12.25 વાગ્યે કોઠારીયા ચોકડી ઉપર વાહન ચેકિંગની કરતા હતા. આ દરમિયાન આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ વગરનું એક વાહન આવતા તેને રોકી તેના નંબર જોતા GJ10ED 7613 લખ્યું હતું. જેથી વાહનચાલકને દંડ ભરવાનુ કહ્યું હતું. જે સમયે તેમણે જણાવ્યું હતું કે, હું પ્રેસમાંથી છું અને મારુ નામ સંજયભાઈ ધામેચા છે.
વાહનચાલકોને હેરાન કરો છો તેમ કહી બોલાચાલી કરી તમે કાયમ અહી બધા વાહનચાલકોને હેરાન કરો છો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જે બાદ ઝપાઝપી કરતા મને કાંડાના ભાગે મુંઢ ઈજા થઈ હતી. આ દરમિયાન તેનો મોબાઇલ ફોન નીચે પડી ગયો હતો. જેથી તે ભાઈ અમારી પર આક્ષેપ કરવા લાગ્યા હતા કે તમે મારો મોબાઇલ તોડી નાખ્યો છે. જેથી તેનો ખર્ચ આપી દો. ઇન્ચાર્જ PSI ડી.પી.ગોહિલે તે ભાઈને પૂછ્યું હતું કે, તમો કયા પ્રેસમાં છો? તમારી પાસે આઇકાર્ડ છે? તો તે ભાઈએ આઇકાર્ડ ન હોવાનું જણાવ્યું હતું અને કોઇ પ્રેસનું નામ આપ્યું ન હતું. જેથી પોલીસે ફરજમાં રૂકાવટ ન ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રેમ લગ્ન કરતા યુવક પર યુવતીના પરિવારનો હૂમલો લક્ષ્મીનગર મેઈન રોડ પર ફિલ્ડ માર્શલ વાડીની બાજુમાં મોડર્ન સ્ટેશનરી સામે રહેતાં યુવાન પર મોડી રાત્રે પ્રેમલગ્નની અદાવતમાં હીચકારો હુમલો થતાં માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. છૂટાછેડા લીધા બાદ યુવતિ ફરી આ યુવાન પાસે રહેવા આવતા ઉશ્કેરાયેલા તેણીના પિતા, ભાઈ અને કાકા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે પણ મારામારીમાં એકને ઈજા થઈ હતી. બનાવ અંગે લક્ષ્મીનગરમાં રહેતો હર્ષિત ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હાથીખાનામાં રહેતા હરેશ હેરભા, યુવરાજ હેરભા, સમીર હેરભા અને ધ્રુવપાલ હેરભાનું નામ આપતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.