રાજકોટમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ બચુભાઈ પાનસુરીયા (ઉ.વ.53) નામના આધેડ બપોરના 2 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ થતા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી. આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિશોરભાઈ પાનસુરીયા બે ભાઈ-ત્રણ બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. કિશોરભાઈ પાનસુરીયા ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હાલમાં ધંધામાં ચાલતી આર્થિક મંદીના કારણે આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બેડીપરામાં બેભાન થયા બાદ યુવકનું મોત રાજકોટ શહેરમાં બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં બાલકદાસની જગ્યા નજીક રહેતાં સુનિલભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.35) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર યુવાન છુટક મજૂરી કરતો હોવાનું અને તેને કિડની સહિતની બિમારી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે મોતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.