રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં માલવીયા ચોકમાં તિરંગાની દયનીય હાલત અંગે કોંગ્રેસ દ્વારા ફાયર ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી તેમજ મનપા દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું હોવાનો આરોપ લગાવાયો હતો. ફક્ત એટલું જ નહીં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતે કહ્યું હતું કે, 15 દિવસથી આ સ્થળે રાષ્ટ્રધ્વજ જર્જરિત છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જો તંત્રની પાસે રૂપિયા ન હોય તો હું નવા રાષ્ટ્રધ્વજ આપીશ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના OBC વિભાગના કાર્યકારી પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી મહેશ રાજપુતે આ તકે જણાવ્યું હતું કે, ભારતીય તિરંગો દેશના નાગરિકોની આશાઓ-આકાંક્ષાઓનું પ્રતીક છે પરંતુ, રાજકોટના માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ અત્યંત ગંદી અને જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. આ બાબત ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002’ અને ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971’નો સરેઆમ ભંગ છે. મનપાના નીંભર તંત્રની આ કાર્યપદ્ધતિ રાષ્ટ્રધ્વજનું અપમાન સમાન છે અને સત્તાધીશોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવું પ્રતીત થાય છે.
મહેશ રાજપુતે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ રોજેરોજ નિયમ મુજબ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવતું હતું. જોકે, હાલ મનપાનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે ત્યારે હાલ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ રાખવામાં આવી રહી છે તે સવાલ પણ તેમણે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કે તંત્ર પાસે રૂપિયા ન હોય તો જરૂર પડ્યે હું નવા રાષ્ટ્રધ્વજ આપવા તૈયાર છું. આજે પણ ફાયર ઓફિસરને મે નવો ધ્વજ આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે સ્વીકારવા ઇનકાર કરી 10 મિનિટમાં માલાવીયા ચોકનો રાષ્ટ્રધ્વજ બદલવા ખાતરી આપી છે.