રાજકોટ જાગનાથ પ્લોટમાં મનપાની ટીપર વાન ખાડામાં ફસાઈ

રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં છેલ્લા 8 માસથી પાણીની DI પાઇપલાઇન માટે ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. બે દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કોર્પોરેટર દેવાંગ માંકડ સાથે વિસ્તારની મુલાકાત લઈ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જોકે, તંત્રની આ ઢીલી કામગીરીનો પુરાવો આજે ત્યારે મળ્યો જ્યારે મનપાની જ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન ટીપર વાન રોડ પરના ખાડામાં ફસાઈ ગઈ હતી.

યાજ્ઞિક રોડથી રામકૃષ્ણ ડેરી તરફ જતી શેરીમાં કચરો ભરેલી ટીપરવાન ગાડી પાઇપલાઇનના ખોદકામ બાદ જ્યાં હજુ ડામર કામ બાકી છે તેવા મેટલિંગ વાળા ખાડામાં ઉતરી ગઈ હતી. વાહનના આગળ અને પાછળના ટાયર ખૂંચી જતાં ટીપર વાન એકતરફ નમી પડ્યું હતું, જેને લઈ વાહનચાલકોને ભારે હાડમારી ભોગવવી પડી હતી. નોંધનીય છે કે, જૂના અને નવા જાગનાથની 41 શેરીઓમાં ખોદકામ અને ડામર કામ ચાલુ છે, જેમાં ગઈકાલના વરસાદી ઝાપટાએ મુશ્કેલી વધારી છે. તેવામાં મનપાનું જ વાહન ફસાતા અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કેદીઓના માનસિક પરિવર્તન અને રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉમદા આશય સાથે પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, ડો. કે.એલ.એન રાવ દ્વારા તા.31 ડિસેમ્બર 2020ના રોજ રેડિયો પ્રિઝનની શરૂઆત કરવામાં આવી હતી. રેડિયો પ્રિઝન રાજકોટને સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ થવા બદલ જેલ પ્રશાસન દ્વારા ભવ્ય ઉજવણીના ભાગરૂપે જેલ પરિસરમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આ રેડિયો પ્રિઝન રાજકોટ જેલના કેદીઓ માટે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ શિક્ષણ, સ્વાસ્થ્ય જાગૃતિની સાથે-સાથે જ ભજન-કિર્તન દ્વારા આધ્યાત્મિકતા ફેલાવવાનું સશક્ત માધ્યમ બન્યું છે. આ રેડિયોની વિશેષતા એ છે કે જેલના કેદીઓ જ રેડિયો જોકી (RJ) તરીકેની ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *