2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે 2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે.
લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે તે માટે ચાર મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં જે રસ્તાઓ પર થર્ટી ફર્સ્ટની રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે તે રસ્તાઓ પર વાહનો પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે. બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે.
અમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુભવન રોડ અને સી.જી. રોડ પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પહેલાથી જ આ બંને રસ્તાઓ પર થનારી ઉજવણીને લઈ તૈયારી કરી લીધી છે. વાહનો અને પાર્કિંગને લઈ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.