રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય આજે લઈ શકે છે. નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની જાહેરાત થઈ શકે છે. એટલે કે તલાટી મંત્રી જેવા વર્ગ 3ની લગ્ન નોંધણીની જવાબદારી છીનવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પાટીદાર સમાજ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરવામાં આવતાં જે-તે સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘લવમેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. બંધારણ ન નડે એ રીતે દીકરીઓનાં પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું’.
માતા-પિતાએ 30 દિવસની અંદર લેખિત જવાબ આપવો પડી શકે છે પ્રસ્તાવિત નિયમો અનુસાર વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના ભાગેડુ લગ્નની નોંધણી કરી શકાશે નહીં. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવી શકે છે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે.
આજે પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે સરકારનો ઉદ્દેશ્ય નાબાલિક લગ્ન, દબાણ હેઠળ થતા લગ્ન અને પરિવારની જાણ વગર થતી નોંધણી પર રોક લગાવવાનો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તેના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ભાગેડુ લગ્નની નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બને તેવી શકયતા છે.