રાજકોટની ધોળકિયા ખાનગી સ્કૂલમાં ભારતની CA ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રેરણા મળશે. આ તકે ચેરમેને ભારતમાં સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હોવાનું જણાવવાની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ.500 કરોડનું સ્કોલરશીપ ફંડ રિલીઝ થયાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઓફિસ ઓટોમેશન, લીટીગેશન અને કેપિટલ માર્કેટમાં AI નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આપવા માટે કોન્ફરન્સ યોજાઇ હતી.
વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના ચેરમેન CA કેતન સૈયાએ જણાવ્યું હતુ કે, આજે અમે WIRCની રાજકોટ બ્રાન્ચની મહત્વની વિઝિટમાં આવ્યા છીએ. અમે ધોળકિયા સ્કૂલમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. જે દર્શાવે છે કે ભારતમાં જ સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હતી. મને આશા છે કે આ એકાઉન્ટિંગ મ્યુઝિયમ જોવાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની પ્રેરણા મળશે.