રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગના રેસીડેન્ટ ડોક્ટર ઉપર થયેલા હુમલામાં 28 વર્ષીય પાર્થ પંડ્યા નામના તબીબ દ્વારા અંતે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં જયદીપ ચાવડા દ્વારા લોહીની બોટલ ચઢાવવા બાબતે ICU વોર્ડમાં પ્રવેશ કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ કરતા પોલીસે ડોક્ટરને માર મારતા શખસ સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ડોક્ટરને માર મારતા જયદીપ ચાવડાના પરિવારજનો મીડિયા સમક્ષ આવ્યા હતા. પોલીસ કમિશનર કચેરીમાં જયદીપના માતા ગીતાબેન ચાવડાએ ડૉક્ટર સામે ફરિયાદ કરી હતી.
લોહીની બોટલ ચઢાવવા બાબતે બબાલ કરી માલવિયાનગર મેઇન રોડ ઉપર રહેતા અને સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ પંડ્યાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 28 ડિસેમ્બર, 2025એ રાત્રિના એક વાગ્યે પોતાની ફરજ ઉપર હતા ત્યારે લોહીની બોટલ ચઢાવવા બાબતે જયદીપ ચાવડા નામના શખસે ICU વોર્ડમાં પ્રવેશ કર્યો હતો અને ફરજમાં રુકાવટ કરી ફડાકા મારી મુંઢ ઈજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે BNS 2023ની કલમ -221, 121(1), 329(3), 351(3), 352 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે નેપાળી સેવા સમાજના ઉપપ્રમુખ સંજયરાજે જણાવ્યું હતું કે, અમારા નેપાળી સમાજના એક વ્યક્તિનું અકસ્માત થયું હતું અને તેથી સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. જેથી, મેં મારા ફેસબુક પર તેનો ફોટો મૂક્યો હતો અને બ્લડની જરૂરિયાત છે એવું લખ્યું હતું. જે બાદ જયદીપ ચાવડા કે જેઓ મને ઓળખતા પણ નથી અને હું પણ એમને ઓળખતો નથી, તેઓ અહીં બ્લડ આપવા માટે આવ્યા હતા. જોકે, ડોક્ટર સાથે તેમની માથાકૂટ થઈ તે બીજા દિવસે અમને ખબર પડી પરંતુ, હું પણ જ્યારે ડોક્ટર પાસે ગયો ત્યારે તેમનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો.
રાજકોટની મેડિકલ કોલેજમાં તબીબોએ એકત્ર થઈ વિરોધ કર્યો હતો 29મી ડિસેમ્બરના સાંજના સમયે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે તમામ તબીબો એકત્ર થયા હતા અને ડૉ. પાર્થ પંડ્યાને માર મારતા શખસ સામે રોષ ઠાલવ્યો હતો. ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનના પ્રમુખ ડૉ. કમલસિંહ ડોડીયાએ માગ કરી હતી કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે રીતે રીલ બનાવતા તત્વોની સરભરા કરવામાં આવે છે તે જ રીતે ડોક્ટર પર હુમલો કરી ગુંડાગર્દી કરતા શખસની સરભરા કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે તેવી માંગણી છે.