રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા આયોજિત ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025’ આજે ત્રીજા દિવસે કાગવડથી શરૂ થઈને ખોડલધામ પહોંચી હતી, જ્યાં આ પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. આજે 28 ડિસેમ્બરના રવિવારે વહેલી સવારે કાગવડમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, ‘જય સરદાર’ અને ‘ખોડિયાર માત કી જય’ના નારા સાથે પદયાત્રાનું પ્રસ્થાન થયું હતું. રાજકોટથી શરૂ થયેલી આ યાત્રાએ 29 કલાકમાં 65 કિલોમીટર જેટલું અંતર કાપીને સરદાર સાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે.
આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી કૌશિક વેકરિયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના અનેક મહાનુભાવો જોડાયા હતા. મુખ્ય આયોજક અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ તેમના પરિવાર દ્વારા ખોડલધામ ખાતે ધ્વજારોહણ અને પૂજન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં આ મહાનુભાવોએ ઉદ્બોધન પણ કર્યું હતું.