ભલે પધાર્યા’ કહી ઉત્સવપ્રિય ગુજરાતીઓ 2026ને આવકારવા થનગની રહ્યા છે. 2025ની ખરાબ યાદોને બાય બાય અને સારી યાદોને સંભારણા બનાવી 2026માં સાથે લઈ જવા માટે ગુજ્જુઓ તૈયાર છે.
દરેક પ્રસંગ અને તહેવારને મોજથી માણતા આપણાં ગુજરાતીઓ નવું વર્ષ આવવાનું હોય ત્યારે કેમ બાકી રહી જાય.તો પછી…આ વર્ષે પણ ગરબા પ્રિય ગુજરાતીઓ ઈન્ટરનેશનલ ડીજેના તાલે વેસ્ટર્ન ડાન્સ મૂવ કરી ડોલશે ને નવા વર્ષને પાક્કી ગુજરાતની વાઈબ સાથે આવકારશે.
ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદથી લઈ ડાયમંડ સિટી સુરત સુધી સંસ્કારી નગરી વડોદરાથી લઈ રંગીલા રાજકોટ સુધી ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે જેમ પાણી હિલોળા મારે છે તેમ નવા વર્ષને આવકારવા દરેક ગુજરાતીઓના મનમાં ઉત્સાહ, ઉમંગ હિલોળા મારી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી મોંઘા પાર્ટી પાસ અમદાવાદની ન્યુ ઈયર એવ 2026ના છે. જ્યાં 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવા પ્રીમિયમ ટેબલના પાસની કિંમત 5.90 લાખ રૂપિયા છે અને ત્યાં ભારતમાં ટોપ-3માં આવતા ડીજે ચેતસ પાર્ટી લવર્સને એન્જોય કરાવશે.
તો રાજકોટ પણ નવા વર્ષને આવકારવા કંઇ પાછું નથી રહેવાનું. ત્યાં સૌથી મોંઘો પાસ ‘એબિઝા ફેસ્ટ’ પાર્ટીનો છે. જ્યાં 10 લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા છે. આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ DJ લેરા નોતા તેમજ DJ ટ્રાપેર્સ રાજકોટીયન્સને મોજ કરાવશે.