ગુજરાત પોલીસ લખેલા બેરિકેડઝ રોડસાઇડ પર રઝળતા મળ્યા

રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઇવે પર પોલીસ અને માર્ગ-મકાન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જસદણના જંગવડ ગામથી લઈને બાબરા તાલુકાના કોટડાપીઠા ગામ વચ્ચેના માર્ગ પર સરકારી મિલકત એવા ગુજરાત પોલીસના માર્કાવાળા બેરીકેડ્સ સાવ લાવારિસ અને બિસ્માર હાલતમાં રસ્તાની સાઈડમાં અને ડિવાઈડર પાસે ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં એક-બે નહીં પરંતુ ચાર-ચાર અલગ-અલગ જગ્યાએ બેરીકેડ્સ ઊંધા-ચત્તા પડી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

સરકારી મિલકતની ખુલ્લેઆમ દુર્દશા, જવાબદાર કોણ?
ગુજરાત પોલીસ લખેલા આ બેરીકેડ્સ ક્યારે અને કોણે મૂક્યા હતા અને કામ પૂર્ણ થયા બાદ તેને પરત લેવાની કે યોગ્ય જગ્યાએ મૂકવાની તસ્દી કેમ ન લેવાઈ? તેવા અનેક સવાલો વાહનચાલકો અને સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. સરકારી નાણાંથી ખરીદાયેલી સુરક્ષા સામગ્રી રસ્તા પર ધૂળ ખાઈ રહી છે અને સડી રહી છે ત્યારે શું પોલીસ કે હાઇવે ઓથોરિટી કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *