રાજકોટ શહેર સિટી બસ સ્ટોપમાં અનઅધિકૃત રીતે લગાવવામાં આવેલી જાહેરાતો સાત દિવસમાં ઉતારી લેવા રાજકોટ રાજપથ લી.એ અપીલ કરી છે. શહેરીજનોને બસના વેઇટિંગ સમય દરમિયાન રૂટની માહિતી, સમયપત્રક તથા બેઠક વ્યવસ્થાની જાણકારી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સિટી બસના પીક-અપ/ડ્રોપ સ્ટોપનું નિર્માણ કરાયું છે.
કેટલીક વ્યક્તિઓ અથવા પેઢીઓ દ્વારા આ પીક-અપ/ડ્રોપ સ્ટોપ પર અનધિકૃત રીતે જાહેરાતના સ્ટિકર, પોસ્ટર અથવા અન્ય પ્રચાર સામગ્રી લગાવવામાં આવી રહી છે જેના કારણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચે છે અને બસ મુસાફરોને અસુવિધા સર્જાય છે. આથી રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા તમામ સંબંધિત વ્યક્તિઓ અને પેઢીઓને કડક સૂચના આપી છે કે સિટી બસ સેવાના પીક-અપ/ડ્રોપ સ્ટોપ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગાવવામાં ન આવે. જો કોઈ દ્વારા આવી જાહેરાત લગાવવામાં આવી હોવાનું જણાશે તો તેમના વિરુદ્ધ ધોરણસર દંડાત્મક કાર્યવાહી કરાશે.જો હાલ કોઈ વ્યક્તિ અથવા પેઢી દ્વારા સ્ટિકર કે પોસ્ટર લગાવાયા હોય તો તે આગામી 7 દિવસની અંદર બસ સ્ટોપને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે રીતે દૂર કરવા અનિવાર્ય રહેશે. દૂર ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.