હિન્દુ પંચાંગ પ્રમાણે તા.31 ડિસેમ્બરના રોજ બુધવારના દિવસે કૂર્મ દ્વાદશી મનાવવામાં આવશે. તેથી આ તકે શહેરના ૐ શ્યામ મહાદેવ મંદિર, શ્યામ કિરણ પાર્ક, કોઠારિયા મેઇન રોડ ખાતે 24 કલાકના કૂર્મ દ્વાદશી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ભગવાન કૂર્મના પંચાક્ષરી સવા લાખ મંત્રોચ્ચારથી મહાયજ્ઞ કરાશે.
ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી બીજો અવતાર જે કૂર્મ અવતાર તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સંન્યાસી સ્વામી મારુતિમાનગીરીજી મહારાજ દ્વારા આ આયોજન કરાયું છે. આ તકે તેમણે જણાવ્યું હતું કે, કૂર્મ અવતારને કચ્છબ અવતાર (કાચબાનો અવતાર) પણ કહેવાય છે. પોષ મહિનાની સુદ બારસના દિવસે કૂર્મ દ્વાદશી તરીકે ઓળખાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારને સમર્પિત છે.
આ મહાયજ્ઞનો દર્શનનો લાભ દરેક ભક્તોને મળશે. આ ઉપરાંત નિ:શુલ્ક મહાયજ્ઞમાં બેસવા ઇચ્છુક ભક્તોએ નામ નોંધાવવું ફરજિયાત છે તેમજ મહાયજ્ઞમાં બેસવા પુરુષોએ ધોતિયું અને સ્ત્રીએ સાડી પહેરવી ફરજિયાત રહેશે.
સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એક દિવસ માનવામાં આવે છે આ કાર્યક્રમ અંગે સંન્યાસી સ્વામી મારુતિમાનગીરીજી મહારાજ જણાવતા કહ્યું હતું કે, નર્મદા કિનારે આશ્રમ છે અને રાજકોટ ટ્રસ્ટના કામથી આવ્યા હતા.
જ્યારે પંચાંગ જોયું અને વિચાર્યુ કે, તા.31 ડિસેમ્બરના રોજ આવો પવિત્ર દિવસ આવતો હોય તો આ દિવસે બને એટલા વધુ યુવાઓને કે ભક્તોને ધાર્મિક રસ્તે વાળવાનું વિશેષ ધાર્મિક કાર્ય કરીએ અને મહાયજ્ઞનું આયોજન કર્યુ. હિન્દુ પંચાંગ મુજબ સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એક દિવસ માનવામાં આવે છે.