મનરેગા હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી યોજના તળે 125 દિવસનો રોજગારનો વાયદો કરવામાં આવ્યો છે.
જોકે વર્ષ 2025માં રાજકોટ જિલ્લામાં મનરેગા યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો ન હોવાની આંકડાકીય વિગતો સામે આવી છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 1,12,159 કુટુંબના 3,01,877 સભ્ય મનરેગા હેઠળ રોજગારી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની સામે જિલ્લામાં 6302 પરિવારના 11,644 લોકોએ કામ મેળવવા ડિમાન્ડ કરી હતી.
બીજી તરફ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ રોજગારીની ડિમાન્ડ કરનાર કુટુંબ પૈકી 5099 કુટુંબના 9061 સભ્ય માટે રોજગારીની વ્યવસ્થા કરી હતી. વર્ષ 2025 દરમિયાન રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 2,19,770 દિવસની રોજગારી આપવામાં આવી હતી.
તે જોતા જિલ્લામાં અત્યાર સુધીમાં મનરેગા હેઠળ સરેરાશ 61 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરી સરેરાશ પ્રતિદિનના 288 રૂપિયા લેખે રોજગારી પૂરી પાડી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.