ભોજનમાં ઈયળો નીકળવા મુદ્દે શિક્ષણમંત્રીએ સમાજ કલ્યાણ અધિકારીને ખખડાવ્યા

19 ડિસેમ્બરના રોજ દિવ્ય ભાસ્કરે સમરસ બોયઝ હોસ્ટેલના જમવામાં કીડા, મકોડા અને જીવાત, રબ્બર જેવી રોટલી અને પાણી જેવી છાશને કારણે 1000થી વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ત્યારે આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કુલપતિના નિવાસસ્થાને વિદ્યાર્થી આગેવાન અને કોંગ્રેસ પ્રવકતા રોહિત રાજપૂત તથા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી. જે બાદ સમાજ કલ્યાણ અધિકારી પી.ડી.ગામીત અને વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક દેવકરણ પીપળીયાને ખખડાવ્યા હતા. આ મામલે એક અઠવાડિયામાં રિપોર્ટ આપવા ડેપ્યુટી ડાયરેક્ટર આનંદબા ખાચરને આદેશ કર્યો હતો.

સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન અપાતું ન હોવાથી છેલ્લા લાંબા સમયથી ફરિયાદો ઉઠી હતી. આ સાથે જ હોસ્ટેલમાં પંખા અને લીફ્ટ વારંવાર બંધ સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. જે અંગે સૌપ્રથમ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યાર બાદ તંત્ર જાગ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સહિતના સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા. જે બાદ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા આજે કોંગ્રેસ પ્રવક્તાની આગેવાનીમાં રાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *