રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ-જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિંછીયા પોલીસ સ્ટેશન હદના હિંગોળગઢથી ગુંદાળા ગામ તરફ જવાના રસ્તે વિડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે હિંગોળગઢથી ગુંદાળા જવાના રસ્તે વિડી વિસ્તારમાં તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 3,732 બોટલો (311 પેટીઓ) કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 25,60,152 હોવાનું જણાવાયું હતું. આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.