પત્નીએ દારૂ છોડવા કહ્યું, યુવકે ફાંસો ખાઇ દુનિયા છોડી દીધી

શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, યુવકને દારૂનો નશો કરવાની કુટેવ હતી અને પત્નીએ નશો છોડવાનું કહેતા યુવકે પગલું ભરી લીધું હતું.

રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા જીતેશ મનુભાઇ જખાણિયા (ઉ.વ.35)એ બુધવારે સવારે પોતાના ઘરે લાકડાંની આડી સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જીતેશ જખાણિયા કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને દારૂનો નશો કરવાની કુટેવ હતી, જીતેશના નશા મુદ્દે અવારનવાર તેની પત્ની સાથે માથાકૂટ થતી હતી. પત્ની દારૂનો નશો છોડવાનું કહેતી હોવાથી જીતેશ તે મુદ્દે માથાકૂટ કરતો હતો. મંગળવારે રાત્રે પણ પત્નીએ જીતેશને દારૂ છોડી દેવાનું કહ્યું હતું. આ બાબતનું માઠું લાગી આવતાં જીતેશે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું. જીતેશ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જીતેશના આપઘાતથી તેના ત્રણ સંતાને પતાની છત્રછાયા ગુમાવતાં જખાણિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *