રેશ્મા સાદીદભાઈ શેખ (ઉં.વ.23)એ ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ ભગવતીપરા સદગુરુ પાર્કમાં પોતાના પિતાના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી. બનાવ અંગે પિતા હબીબભાઈને જાણ થઈ જતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દરવાજો તોડી નાંખ્યો રેશ્માને ગળાફાંસો ખાતા અટકાવી હતી. ચૂંદડી બાંધી હોવાથી તેનું દબાણ ગળા પર પડ્યું હોવાથી રેશ્માને સારવાર માટે પોલીસે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બનાવ અંગે રેશ્માના પરિવારે જણાવ્યા મુજબ, 4 વર્ષ પહેલા પોપટપરામાં રહેતા સાજીદ શેખ સાથે રેશ્માના લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ ત્રાસ આપતો હોવાથી રેશ્મા છેલ્લા 3 વર્ષથી રિસામણે છે જેનો કોર્ટ કેસ પણ ચાલુ છે. પોલીસે આ મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાર્ટ એટેકથી શ્રમિક યુવાનનું મોત વિનોદકુમાર અર્જુનભાઈ પ્રસાદ (ઉં.વ.34) ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો, ત્યારે બેભાન થઈ જતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિનોદકુમાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો તેને 3 સંતાનો છે જે પત્ની સાથે વતનમાં રહે છે. પોતે કોઠારીયા સોલવંટમાં કારખાનામાં મજૂરી કરતો હતો અને ત્યાંની ઓરડીમાં રહેતો હતો. ગઈકાલે તે કામ પર ગયો ન હતો અને પોતાની ખોલીમાં અન્ય શ્રમિકો સાથે હતો. એક માળ ચડી ઉપર પોતાની ખોલીમાં પહોંચ્યો ત્યાં તેને ગભરામણ થવા લાગી હતી અને ખૂબ પરસેવો છૂટવા લાગ્યો હતો. જે બાદ તે અર્ધ બેભાન જેવો થઈ જતા સાથી શ્રમિકોએ કારખાનાના માલિકને જાણ કરી હતી. જેથી તત્કાલ વિનોદકુમારને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી, જેમાં પ્રાથમિક રિપોર્ટ મુજબ યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.