રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ફરી વિરોધ કર્યો હતો. શાકમાં જીવાત, રબ્બર જેવી રોટલી, પાણી જેવી છાશ મામલે 1000 વિદ્યાર્થીઓ પરેશાન છે, ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળવામાં ન આવતા તેમના દ્વારા X પર પેજ બનાવવામાં આવ્યું છે. ગત 19મી ડિસેમ્બરના વિદ્યાર્થીઓનો પ્રશ્ન દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. જે બાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજે કોંગ્રેસની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ પાસે એકત્ર થયા હતા અને ખરાબ ભોજનના પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ નારેબાજી કરી ન્યાય આપવાની માંગણી કરી હતી.
સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ખરાબ ભોજન આપવામાં આવે છે. નાસ્તા અને ભોજનમાંથી વારંવાર જીવાત નીકળે છે. જેને કારણે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે આ ઉપરાંત અહીં સ્વચ્છતાનો પણ સ્વતંત્ર અભાવ જોવા મળે છે. જેથી આજે અહીંના 100થી વધુ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ નોંધાવ્યો છે. જેથી વિદ્યાર્થીઓનો પ્રશ્ન તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગણી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે અહીં જે સમાજ કલ્યાણ અધિકારી છે તેઓ પોતાની બદલી રહ્યા છે જેને કારણે વિદ્યાર્થીઓને કનડગત કરવામાં આવી રહ્યું છે.
‘અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી’ જ્યારે વિદ્યાર્થી મિત્ર આહિરે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલમાં મારું ચોથું વર્ષ છે. જોકે અહીં ખરાબ ભોજન આપવામાં આવે છે. અહીં હાઈજીન જળવાતું નથી. ટોયલેટ તૂટેલી હાલતમા છે અને સફાઈનો અભાવ જોવા મળે છે. આજે અમે ધરણા પર બેસી વિરોધ નોંધાયો છે અને જ્યાં સુધી અમારો પ્રશ્ન દૂર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.