જામનગર રોડ પર વૃદ્ધાને વાતોમાં ભોળવી બાઈકસવાર બેલડી રૂ.3 લાખની સોનાની બંગડી લઈ નાસી છૂટી

રાજકોટ શહેરમાં વૃદ્ધ લોકોને ટાર્ગેટ બનાવી ઘરેણાં પડાવી લેતી ટોળકી ફરી સક્રિય બની છે. વધુ એક ઘટનામાં રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોક પાસે શિવરંજની પાર્કમાં રહેતા વૃદ્ધા તેના ઘર નજીક મંદિરે દર્શન કરવા જતા હતાં. આ દરમિયાન બાઈકસવાર બેલડી વૃદ્ધાને આંતરી વાતો કરાવી રૂ.3 લાખની કિંમતની સોનાની બંગડીઓ લઈ નાસી છૂટ્યા હતાં. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વૃદ્ધાને આંતરી સરનામું પૂછી બંગડી માગી રાજકોટના શિવરંજની પાર્કમાં રહેતા હર્ષાબેન મધુસુદનભાઈ શુકલ (ઉં.વ.65) નામના વૃદ્ધા ગઈકાલે (22 ડિસેમ્બર) તેના ઘર પાસે આવેલ રામાપીરના મંદિરે દર્શન કરવા જતા હતાં. દરમિયાન એક્ટિવા પર આવેલા બે શખસ તેને અટકાવી ખોટું સરનામુ પૂછી વાતો કરાવી એક રૂપિયાનો સિક્કો માંગ્યો હતો, જેથી વૃદ્ધાએ તેને પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો હતો. આ દરમિયાન બંને શખસે પાંચ રૂપિયા પરત આપી ફરી વાતચીત કરવા લાગ્યા હતા અને બે પૈકી એક શખસે તમે પહેરેલી સોનાની જુની બંગડીઓ બતાવો કહેતા વૃદ્ધાએ રૂ.3 લાખની કિંમતની બંને બંગડીઓ કાઢી બંને શખસને આપતા બંગડી લઈને નાસી છુટ્યા હતા.

પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી બેલડી બંગડી લઇ નાસી જતા વૃદ્ધાએ દેકારો કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતાં. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા બન્ને શખસ સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કરી, આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *