રાજકોટ શહેરનાં પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા જયપાલસિંહ મંગલસિંહ ઝાલા (ઉ.વ.54)ને છેલ્લા એક અઠવાડિયાથી કમળો થયો હતો જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક જયપાલસિંહને સંતાનમા એક દીકરો અને એક દીકરી છે તેમજ પોતે ત્રણ બહેનનાં એકનાં એક ભાઇ હતા તેમજ તેઓ અગાઉ ડોગ સ્કવોડમાં ફરજ બજાવતા અને હાલ એસઆરપીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
તેઓનું મૂળ વતન મોરબી રોડ પર આવેલુ રતનપર ગામ છે. જયપાલસિંહનાં મોતથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો મેટોડામાં આસ્થા વિલેજ ગેઇટમાં જલારામ પાર્ક બ્લોક નં.8માં રહેતા ચેતન અશોકભાઇ પાચાણી (ઉ.વ.38)નામના યુવાને ગઇકાલે સાંજે રેસકોર્ષ નજીક ગેલેકસી સીનેમા પાસે શેરીમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતનો પ્રયાસ કરનાર ચેતન પાચાણીનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ચેતન મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેણે અગાઉ નાણાની જરૂરીયાત ઉભી થતા 3-4 લોકો પાસે રૂ.5 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં આ વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા જેથી કંટાળી તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.