બોર્ડની પરીક્ષામાં 15 લાખથી વધુ ફોર્મ ભરાયા, ગયા વર્ષ કરતાં 86 હજાર વધુ, કોમર્સ લેનારા 17% વધ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાના આંકડાકીય વિગતોમાં એક સકારાત્મક વલણ જોવા મળ્યું છે. ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ઘટાડા બાદ, ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે, અને અત્યાર સુધીમાં કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગયા વર્ષ કરતાં 86 હજાર વિદ્યાર્થી વધુ નોંધાયા છે તેમાંથી કોમર્સ લેનારા વિદ્યાર્થી 17% વધ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગત વર્ષ 2024ના બોર્ડના આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2023ની સરખામણીમાં 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા હતા. જોકે, ચાલુ વર્ષે આ ચિત્ર બદલાયું છે. હાલની સ્થિતિએ ગત વર્ષની સરખામણીમાં લગભગ આશરે 86 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધારે નોંધાયા છે. શિક્ષણ નિષ્ણાતો અને શિક્ષણક્ષેત્રના અધિકારીઓના મતે, લેટ ફી સાથેની પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં 90,000 જેટલો વધારો થવાની પ્રબળ શક્યતા છે.

બોર્ડની પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શરૂઆતમાં 6 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત 10 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હાલમાં રેગ્યુલર ફીની મુદત પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના રહી ગયા છે, તેઓ માટે 19મી ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરવાની સુવિધા ચાલુ રાખવામાં આવી છે. આ દિવસો દરમિયાન બાકી રહેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે, જેથી કુલ આંકડો હજુ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *