થોડા દિવસ પહેલાં દક્ષિણ ભારતમાં દિતવાહ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ઠંડી ગાયબ થઇ ગઈ હતી. ફરીથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થઇ ગયા છે. રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 62 ટકા આપસાસ રહ્યું હતું. દિવસ દરમિયાન પવનની ઝડપ પણ 3થી 6 કિલોમીટર પ્રતિકલાકની રહી હતી.
રાજકોટમાં હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવા છતાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી વધુ છે. લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ઓછું રહ્યું હતું. એટલે કે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો યથાવત્ છે.
ઝાકળવર્ષાની સૌથી વધુ અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે શિયાળાની શરૂઆતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ઝાકળવર્ષાનો રાઉન્ડ આવ્યો એ પણ સીમિત સમય માટે રહ્યો હતો. 10 ડિસેમ્બર પછીથી ફરીથી એક મોટો ઝાકળવર્ષાનો રાઉન્ડ આવી શકે છે જે ત્રણથી ચાર દિવસનો રહેશે. સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, વિઝિબિલિટી ડાઉન થઇ શકે છે. ઝાકળનો આ રાઉન્ડ પણ રાજ્યમાં બધા વિસ્તારોમાં નહીં આવે માત્ર સીમિત વિસ્તારોમાં આવશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આ ઝાકળવર્ષાની અસર સૌથી વધુ રહેવાની સંભાવના છે. – પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત, એક્સપર્ટ