રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ આ કન્વેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેકન્ડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
આ કન્વેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે જેથી સૌરાષ્ટ્રનો વિકાસ પણ સારી રીતે આગળ વધી શકશે.
રાજકોટ શહેરએ ઓટોમોબાઈલ, એન્જીનીયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે આ બધા ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એક્ઝિબિશન માટે ગાંધીનગર મહાત્મા મંદિર, મુંબઈ કે દિલ્લી જેવા શહેરો તરફ ન જવું પડે તે માટે સૌરાષ્ટ્ર ભરના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા રાજકોટની અંદર ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ કન્વેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રથમ તબક્કામાં જગ્યાની ફાળવણી કરી દેવામાં આવ છે બાદમાં તબક્કાવાર એક બાદ એક એજન્સી નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આવતા ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર રાજકોટમાં બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.