રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારની ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઈટ 6 કલાક મોડી આવતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. જેથી હવાઈ મુસાફરોમાં ઉહાપોહ મચી ગયો હતો અને ખાનગી એર લાઇન્સના સ્ટાફ સાથે મુસાફરોએ ભારે રકઝક કરી હતી. જેના વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જ્યારે ઈન્ડિગોની જ સાંજની દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે જ્યારે રાત્રીની મુંબઈની ફ્લાઈટ એક કલાક મોડી ઉપડતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા.
ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓપરેશનલ રિઝન તેમજ સોફ્ટવેર માલ ફંક્શનના કારણે ટ્રાન્સપોર્ટ અને કેપ્ટનને મેસેજ જ ન પહોંચ્યો કે દિલ્હીથી રાજકોટની ફ્લાઈટ કેટલા વાગ્યે ઉપડવાની છે. જેથી આ ફ્લાઈટ દિલ્હીથી 7.30 ની ફ્લાઈટ 1.16 વાગ્યે રાજકોટ આવી અને આ ફ્લાઈટ સવારે 8.05 વાગ્યાને બદલે 2.13 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા માટે રવાના થઈ હતી.
જ્યારે આજે સાંજની મુંબઈથી રાજકોટ 4.25 વાગ્યે આવતી અને અહીંથી 4.55 વાગ્યે ઉપડતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીથી 5.25 વાગ્યે રાજકોટ આવતી અને અહીંથી 5.55 વાગ્યે દિલ્હી જવા માટે ઉપડતી ફ્લાઈટ પણ રદ થઈ છે. જ્યારે રાત્રે 7.25 એ મુંબઈથી ઉપડી રાજકોટ આવતી અને 7.55 વાગ્યે રાજકોટથી મુંબઈ જવા માટે ઉપડતી ફ્લાઈટ એક કલાક મોડી હોવાનું જાણવા મળી રહ્યું છે.