ગોવર્ધન ચોક પાસે સુખસાગર શેરીમાં રહેતાં અને ડ્રાઇવિંગનું કામ કરનાર મૈયાભાઈ પોપટભાઈ બોળીયા(ઉ.વ. 50) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેવા ઓળકિયા, રાજુ ઓળકિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે રેવા ઓળકિયાના પત્ની ભીખુબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી મૈત્રી કરાર કરી 10 દિવસ સાથે રહ્યા હતા. આ બાબતે રેવા ઓળકિયાએ ઝઘડો કરી મારકૂટ કરી હતી ત્યારે આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. સમાજના લોકોની સમજાવટથી ઘરમેળે સમાધાન કરી લીધું હતુ.
જે દરમિયાન ગઈકાલે સાંજે 5.45 વાગ્યા આસપાસ આધેડ તેના મોટર સાઇકલ પર માલધારી ફાટકથી સાંઈબાબા સર્કલ પાસે ઉન્નતી એરિયા પાસે પહોંચતા રેવા ઓળકિયા, રાજુ ઓળકિયા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ રોકી અહીંયા કેમ રખડે છે? તેમ પૂછતા આધેડે જણાવ્યું કે, કામથી આવ્યો છું. ત્યારે ચારેય ગાળો આપતા હતા જોકે ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈને રેવાએ લોખંડનો પાઈપ આધેડને ડાબા પગમાં માર્યો હતો. જ્યારે રાજુએ લાકડાના ધોકો જમણા પગમાં માર્યો હતો. તેમની સાથેના અજાણ્યા શખસોએ ઢીકાપાટુનો માર મારતા આધેડ બુમ પાડવા લાગતા ચારેય શખસો નાશી ગયા હતા. જે બાદ આધેડે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અન્ય બનાવ સરધાર ગામ પાસે વાડી વિસ્તારમાં વીજ પોલમાં ટ્રાન્સફોર્મરોમાંથી કોપર તથા એલ્યુમીનીયમના વાયરોની ચોરી અંગેની ફરીયાદ આજીડેમ પોલીસમાં નોંધાઇ હતી. આ ગુનામાં બાતમીના આધારે કોપર વાયર ચોરીના ગુનામાં સામેલ વિજય ઉર્ફે ભગો વાલજી વાઘેલા (ઉ.વ.28) (રહે.ભાવનગર રોડ ખોડીયાર નગર અને હાલ હોસ્પિટલ ચોક બ્રીજ નીચે) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં આરોપી રાજકોટ, ભાવનગર, ધોળકા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, શાપર-વેરાવળ સહિતના ગામ નજીક વાડી વિસ્તારમાં વીજ પોલમાંથી ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુનિયમના વાયર ચોરીના 13 ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.