કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાછળથી દારૂ ભરેલી કાર એલસીબી ઝોન-2 ટીમે ઝડપી પાડી હતી. દારૂ ભરેલી કાર સાથે ભૌમિક પારેખ નામના વેપારીની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જૂનાગઢનો સપ્લાયર કલ્પેશ ઉર્ફે લાલાનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એલસીબી ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ટીમને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કાર નંબર જીજે-03-જેસી-8990 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે અને હાલ આ કાર કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ શિલ્પન બંગલોઝના ગેટ પાસે પાર્ક કરેલી છે. જે બાતમીના આધારે ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કારને કોર્ડન કરી ચેક કરતા તેમાંથી રૂ. 78 હજારની કિંમતની દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 4.03 લાખના મુદ્દામાલ સાથે કાર માલિક ભૌમિક યોગેશ પારેખ (ઉ.વ. 37 રહે. શિલ્પન બંગ્લોઝ નં.- 8, ક્રિસ્ટલ મોલ પાછળ, ઘનશ્યામનગર મેઇન રોડ, જ્યોતિનગર ચોક)ની ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલ શખ્સે કેફિયત આપી હતી કે, તે દારૂનો જથ્થો જુનાગઢના કલ્પેશ ઉર્ફે લાલા પાસેથી લઈ આવ્યો હતો અને અહીં છૂટકમાં વેચાણ કરવાની ફિરાકમાં હતો. પરંતુ તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ દારૂ સહિતના ત્રણ ગુના અગાઉ નોંધાય ચૂક્યા છે.