હવામાન વિભાગના અહેવાલ મુજબ, રાજ્યના તાપમાનમાં ફરી વધારો થતાં સામાન્ય ઠંડી નોંધાઈ રહી છે. નલિયાને પાછળ છોડીને અમરેલી અને વડોદરા 16.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા શહેર રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડા રહેતા નલિયામાં 28 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આજે 2.6 ડિગ્રી સેલ્સિયસ વધીને 17.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેટલાંક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી આસપાસનો વધારો નોંધાયો છે. તો મહાનગરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે. આગામી 24 કલાક બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.