ગોંડલથી રાજકોટ જતો નેશનલ હાઈવે હાલ વાહનચાલકો માટે ”મોતનો કૂવો” બની રહ્યો છે. એક તરફ સિક્સ લેનની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી અને બીજી તરફ ટ્રક ચાલકોની બેફામ દાદાગિરીને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
સિક્સ લેનની કામગીરીને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે મનફાવે ત્યાં ડાયવર્ઝન આપી દેવાયા છે. જેના પરિણામે ગોંડલથી પીપળીયા સુધી સવાર, બપોર અને સાંજે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે.
આ અવ્યવસ્થાનો ભોગ આજે ફરી એક નિર્દોષ બન્યો છે. આજે બિલિયાળા નજીક રોંગ સાઈડમાં આવતા એક ટ્રકના ચાલકે બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ ગોંડલના યુવા અગ્રણી ગોપાલભાઈ સખીયા અને સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા જ તુરંત મદદે દોડી આવ્યા હતા.
તેમણે તાત્કાલિક 108ને જાણ કરી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો સિક્સ લેનની કામગીરી પૂર્ણ થશે ત્યાં સુધીમાં આવા જ હાલ રહ્યા, તો અનેક લોકોના જીવ જશે તે નક્કી છે. લોકોમાં ભીતિ છે કે આગામી સમયમાં રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે અકસ્માતમાં મોતના આંકડામાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કદાચ પ્રથમ નંબરે આવી જાય તો નવાઈ નહીં.