રાજકોટમાં મહત્વની બ્રાન્ચના 3 પીઆઇની બદલી, મિલકત જપ્તી થવાના ડરે PGVCLના પ્યુનનો આપઘાત પ્રયાસ

તપસીરામ છેદનલાલ પાસવાન (ઉં.વ.26) આજે સવારે 7.30 વાગ્યા આસપાસ ક્રિષ્ના મેટલ કારખાનમાં હતો, ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાન સાત ભાઈમાં મોટો હતો તેને સંતાનમાં એક બે વર્ષની દીકરી છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં રહી વિરાણી અઘાતના ક્રિષ્ના મેટલ નામના કારખાનામાં રહે છે અને ત્યાં જ મજૂરી કામ કરે છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે.

મિલકત જપ્તી થવાના ડરે PGVCLના પ્યુનનો આપઘાત પ્રયાસ રસિકભાઈ દામજીભાઇ સોલંકી (ઉં.વ.46) આજરોજ સવારે 7.30 વાગ્યા આસપાસ સોરઠીયા વાડી સર્કલ બગીચામાં હતા, ત્યારે ફિનાઈલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ પુછપરછમાં રસિકભાઈ પીજીવીસીએલમાં પટ્ટાવાળા તરીકે કાયમી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. તેમને સંતાનમાં એક દીકરી છે. અગાઉ તે બાઈક લઈને જતા હતા, ત્યારે પાછળથી સ્કૂટરમાં આવતી મહિલા બાઈક સાથે અથડાઈ હતી અને રોડ પર પડી જતા પાછળ આવતું ટ્રેકટર તેના ઉપર ફરી વળતા મહિલાનું મોત નીપજ્યું હતું.

આ અંગે સામાવાળાઓએ બાઈક ચાલક રસિકભાઈ વિરુદ્ધ ક્લેઇમ કેસ કર્યો હતો જે કેસ ચાલી જતા કોર્ટે વ્યાજ સહિત 78 લાખનું વળતર મંજુર કર્યું હતું. જો કે બાઈકનો વીમો ન હોવાથી રકમ રસિકભાઈને ચૂકવવી પડે તેવો હુકમ થતા સામાવાળાએ વળતર મેળવવા કાર્યવાહી કરી ઘરે આવી મિલ્કતો જપ્ત થશે તેવી વાતો કહેવા લાગ્યા હતા જેથી રસિકભાઈએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ભક્તિનગર પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વની બ્રાન્ચના 3 પીઆઇની બદલી કરતા પોલીસ કમિશનર રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેરની અલગ અલગ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ગોંડલિયાને છુટા કરી તેમની જગ્યાએ EOWના પીઆઇ એ.એસ.ચાવડાને મુકવામાં આવ્યા છે. જ્યારે સાયબર ક્રાઇમ પીઆઇ ડી.એમ.હરીપરાને બદલી EOWમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પીઆઇ મેહુલ ગોંડલીયા ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી બન્નેનો ચાર્જ સંભાળી મહત્વની ભૂમિકા ભજવતા હતા. જો કે હવે તેઓ માત્ર પીસીબી પીઆઇ તરીકે ફરજ બજાવશે.

સગીરાના અપહરણ-પોક્સો કેસમાં આરોપીને શરતી જામીન મળ્યા સગીર બાળકીનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપો ધરાવતા પોક્સો કેસમાં સંડોવાયેલા આરોપી સમીર ચાનીયાને રાજકોટ જિલ્લા સેશન્સ કોર્ટે શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ગત તા.19 મે, 2026ના રોજ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો જેથી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ પછી કોર્ટમાં જામીન અરજી કરતા આરોપી તરફેથી એડવોકેટ પરેશ વી. ગળધરીયાએ દલીલ કરી હતી કે, આરોપીએ ભોગ બનનાર સાથે કોઈ શારીરિક કૃત્ય કર્યું નથી, કોઈ અંગત લાભ મેળવ્યો નથી અને ગુનામાં તેની સક્રિય ભૂમિકા પણ નથી. માત્ર ધારણાના આધારે આરોપીને જેલમાં રાખી શકાય નહીં તેમજ આ મુદ્દે ઉચ્ચ અદાલતોના ચુકાદાઓનો પણ આધાર રજૂ કરવામાં આવ્યો હતો.

બંને પક્ષોની દલીલો, તપાસ અધિકારીના સોગંદનામા તથા કેસના ઉપલબ્ધ રેકોર્ડને ધ્યાનમાં લઈ રાજકોટ જિલ્લા સેશન્સ કોર્ટે આરોપી સમીર ચાનીયાને શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

દીકરીના સાસરિયાના સભ્યો વીડિયો બનાવી હેરાન કરતા માતાએ એસિડ પીધું રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વડ વાજડી ગામે રહેતા રસીલાબેન હરિભાઈ પરમાર (ઉં.વ.45) ગઈકાલે રાત્રીના 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે એસિડ પી લીધું હતું. તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવારમાં રહેલા રસીલાબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમની સુરેન્દ્રનગર સાસરૂ ધરાવતી દીકરી મોનાલી સિદ્ધાર્થ પરમારને સાસરિયાના સભ્યો ત્રાસ આપતાં છ વર્ષથી દીકરી માવતરે રિસામણે છે.

ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટે ભરણપોષણ મંજુર પણ કર્યું છે, પરંતુ જમાઈ સિદ્ધાર્થ દીકરીને ભરણપોષણની રકમ ચૂકવતો નથી. જમાઈ અને તેનો ભાઈ મયુર અવારનવાર આપઘાત કરી લેવાની અને તમને બધાને ફસાવી દેવાની ધમકી આપતા વીડિયો મોકલે છે. આ હેરાનગતિથી કંટાળી પગલું ભર્યું હતું. હાલ રસીલાબેન સારવાર હેઠળ છે જેથી મેટોડા પોલીસે નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *