વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે રેલવે મંત્રાલયના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. કુલ રૂ.2,781 કરોડના આ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટો ગુજરાત અને મહારાષ્ટ્રના 4 જિલ્લાઓમાં રેલવે ક્ષમતા વધારશે અને લગભગ 32 લાખની વસ્તીને સીધો લાભ પહોંચાડશે.
કાનાલુસથી ઓખા સુધીનું ડબલિંગ દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. દેશ-વિદેશના લાખો તીર્થયાત્રીઓ માટે સફર વધુ સરળ અને ઝડપી બનશે, જે સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપશે.
મંજૂર થયેલા પ્રોજેક્ટોમાં દેવભૂમિ દ્વારકા (ઓખા)–કાનાલુસ ડબલિંગ (141 કિમી) અને બદલાપુર–કારજત ત્રીજી અને ચોથી લાઇન (32 કિમી)નો સમાવેશ થાય છે. વધારાની લાઇન ક્ષમતાથી રેલવે ગતિશીલતા વધશે, ભીડ ઘટાડાશે અને ટ્રેન ઓપરેશન વધુ વિશ્વસનીય બનશે. આ પ્રોજેક્ટો ‘PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ હેઠળ આયોજન કરવામાં આવ્યા છે, જે સંકલિત પરિવહન અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર કેન્દ્રિત છે.
આ માર્ગો કોલસો, મીઠું, કન્ટેનર, સિમેન્ટ, POL જેવી વસ્તુઓના પરિવહન માટે અત્યંત મહત્ત્વના છે. વધારાના ટ્રેકથી દર વર્ષે 18 મિલિયન ટન સુધી વધારાનો માલ પરિવહન શક્ય બનશે. રેલવે દ્વારા પરિવહન ઊર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણમિત્ર હોવાથી દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટો દ્વારા લગભગ 3 કરોડ લિટર તેલની બચત, અને 16 કરોડ કિલો CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે જે લગભગ 64 લાખ વૃક્ષ વાવેતર જેટલો પર્યાવરણીય લાભ સમાન છે.