રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં કુલ 1353 આરોપીઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવાનું સામે આવતા રિપોર્ટ તૈયાર કરી રાજ્ય પોલીસ વડાને સુપ્રત કરવામાં આવ્યો છે. જેમાં 529 આરોપીની વિગત મળી આવી છે જયારે 106ના મોત થયાંનું સામે આવ્યું છે. આ ઉપરાંત 52 આરોપી હાલ જેલમાં બંધ છે.
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફરીદાબાદમાં જે એક્સ્પ્લોઝીવ પકડાયા અને દિલ્લીમાં જે બ્લાસ્ટની ઘટના બની ત્યારથી સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું. આ પછી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યની અંદર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેનો એક ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. જે રિપોર્ટ 100 કલાકની અંદર તૈયાર કરી રાજ્ય પોલીસ વડા કચેરી ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે.
છેલ્લા 30 વર્ષમાં રાજકોટ શહેરમાં 1353 ગુનેગારો ઝડપાયા તેમને વધુમાં જણાવ્યું હતું કે, NDPS, હથિયાર ધારા, ફેક કરન્સી, ટાડા, પોટા, UAPA, એક્સપલુઝીવ એક્ટ, અને પેટ્રોલિયમ એક્ટ હેઠળ છેલ્લા 30 વર્ષમાં રાજકોટ શહેરમાં 1353 ગુનેગારો ઝડપાયા હોવાની માહિતી સામે આવી હતી. જે તમામ આરોપીઓ હાલના સરનામાં, નોકરી ધંધા, પરિવારના સભ્યો, બેન્ક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, પરિવારના સભ્યોની પૂરતી વિગત સહીત તમામ બાબતો અંગે પોલીસ રૂબરૂ જઇ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને કુલ 529 આરોપીની વિગત મળી આવી છે, જ્યારે 106ના મોત થયાંનું સામે આવ્યું છે. આ ઉપરાંત 52 આરોપી હાલ જેલમાં બંધ છે. જ્યારે બાકીના આરોપી અંગે શોધખોળ ચાલુ છે.