રાજકોટ શહેરના પુનિતનગર પાણીના ટાંકા સામે શ્યામલ વાટિકા પાસે ટી.પી.15(વાવડી)ના એફ.પી.15/એ-28/એ ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ બનાવવામાં આવેલી મનસુખભાઇ છાપીયા ટાઉનશિપના શોપિંગ સેન્ટરની દુકાનોની 26મીએ હરાજી કરવાની સત્તાધીશોએ જાહેરાત બહાર પાડી છે.
મનપાના સત્તાધીશો દ્વારા કુલ 8 દુકાનની હરાજી કરવામાં આવનાર છે અને તેની અપસેટ પ્રાઇઝ રૂ.20.30 લાખથી લઇને રૂ.32.80 લાખ રાખવામાં આવી છે. હરાજીમાં ભાગ લેવા માગતાં અરજદારે હરાજીના આગળના દિવસે એસ્ટેટ શાખામાં અને હરાજીના દિવસે સ્થળ પર રૂ.2 લાખનો ચેક અથવા ડિમાન્ડ ડ્રાફટ ડિપોઝિટ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના નામનો આપવાનો રહેશે અને હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ રૂ.10 હજારના રાઉન્ડ ફિગરમાં બોલી બોલવાની રહેશે. જે ખરીદદારની બોલી મંજૂર થાય તેમણે કિંમતના 25 ટકા સ્થળ પર જ જમા કરાવી દેવાના રહેશે. બાકીની 75 ટકા રકમ આ કામનો સામાન્ય સભામાં ઠરાવ થયા બાદ 60 દિવસમાં ભરપાઇ કરવાની રહેશે. મહાનગરપાલિકા આ દુકાનો વેચીને આવક ઉભી કરશે, આ નાણા વિકાસના કામ માટે વપરાશે.