રાજકોટના ઓમ રેસ્ટોરન્ટનો માલિક તારપરા પરપ્રાંતથી દારૂ લાવ્યો હતો

ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની ટીમે રેડ કરી ત્યારે રેસ્ટોરન્ટમાંથી 4 બોટલ દારૂ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે રેસ્ટોરન્ટના માલિક તારપરાની પૂછપરછ કરતાં તેણે વિદેશથી દારૂ લાવ્યાનું રટણ રટ્યું હતું. જ્યારે જીએસટીના સુપરિન્ટેન્ડન્ટને ગાળો ભાંડવા અને ફડાકો મારવાના મામલે બંને આરોપીની ધરપકડ તોળાઇ રહી છે.

જીએસટીનો કાફલો તા.18ના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટે ધસી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન રિસેપ્શન નજીકના કાઉન્ટરમાંથી 4 બોટલ દારૂ મળી આવ્યો હતો, જે મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રેસ્ટોરન્ટના સંચાલક વલ્લભ જીવરાજ તારપરા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં વલ્લભે પોતે પરપ્રાંતથી દારૂ લાવ્યાની કેફિયત આપી હતી.

વલ્લભ તારપરા અને અંકિત શિયાણી સામે ફરજ રુકાવટનો ગુનો નોંધાયો હતો. જીએસટીના અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે વલ્લભ તારપરાએ રેસ્ટોરન્ટમાં ઘૂસી અધિકારીઓને ગાળો ભાંડી હતી અને અંકિત શિયાણીએ સુપરિન્ટેન્ડન્ટ પરદીપ સુરેન્દ્રસિંહને ફડાકો ઝીંકી દીધો હતો. આ મામલે ભક્તિનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *