રાજકોટ શહેર જિલ્લામાં SIR કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તેમાં પણ રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો આ કામગીરી અંતર્ગત સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે BLO એપ્લિકેશનમાં કેટલીક ટેક્નિકલ ખામીઓ આવતા જિલ્લા કલેકટર દ્વારા ઉપર સુધી રજૂઆત કરી આ પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે જેમાં 33 સ્થળ ઉપર ખરીદી કરી આજ દિવસ સુધીમાં કુલ 20,824 ખેડૂતોની 353 કરોડની 4.87 લાખ કવીન્ટલ મગફળી ખરીદ કરવામાં આવી છે.
જિલ્લામાં 35% ઇન્યુમરેશન ફોર્મ્સનું ડિજિટાઇઝેશન પૂર્ણ રાજકોટ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં મતદાર નોંધણી (ઇન્યુમરેશન) ફોર્મ્સના ડિજિટાઇઝેશનની કામગીરીએ ગતિ પકડી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 35% ઇન્યુમરેશન ફોર્મ્સનું ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના કારણે રાજકોટ જિલ્લો રાજ્યમાં સાતમા ક્રમે છે. જિલ્લાના તમામ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સ દ્વારા આ કામગીરી માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી તાલુકામાં સારી કામગીરી કરવામાં આવી છે. જેમાં પણ જસદણ તાલુકો રાજ્યભરમાં સૌથી વધુ (હાઇએસ્ટ) કામગીરી પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. જોકે, શહેરી વિસ્તારમાં રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ અને રાજકોટ સાઉથ વિધાનસભા બેઠક પરની કામગીરી 25%થી ઓછી છે, જેને ઝડપી બનાવવાની જરૂરિયાત છે.
BLO એપમાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ ઇન્યુમરેશન કામગીરીમાં વપરાતી BLO એપમાં કેટલીક ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે, જેની અધિકારીઓએ નોંધ લીધી છે. આ ખામીઓને સ્ટેટ લેવલ (રાજ્ય કક્ષાએ) પર SIR ગુજરાત ગ્રુપ દ્વારા સમયાંતરે ચકાસવામાં આવે છે. અન્ય રાજ્યોમાં પણ આ એપનો ઉપયોગ થતો હોવાથી એકસાથે ઘણી બધી કામગીરીને કારણે અમુક ઇશ્યુઝ આવી રહ્યાનો જિલ્લા કલેકટરે સ્વીકાર કર્યો હતો અને તમામ ટેકનિકલ સમસ્યાઓનું રિયલ-ટાઇમ નિરાકરણ લાવવાના પ્રયત્નો ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.