રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક આજે મળી હતી. જેમાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિપક્ષનો પ્રશ્ન એજન્ડામાં પ્રથમ ક્રમે આવતા તેની ચર્ચા થઈ હતી. વિપક્ષનાં નેતા વશરામ સાગઠીયાએ ફ્લાવર બેડ અને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનના મુદ્દાઓ ઉઠાવીને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
જેના જવાબમાં મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ વૉર્ડવાઇઝ કામગીરીની યાદી બોર્ડમાં રજૂ કરી હતી. જોકે રાજકોટ સિવાયની કોઈ મહાનગરપાલિકા આ ચાર્જ વસુલતી ન હોવાનો દાવો વશરામ સાગઠિયા દ્વારા કરવામાં આવ્યો હતો. બોર્ડમાં ચાલતી પ્રશ્નોતરીમાં શાસક પક્ષ શાંત રહ્યો હતો. બોર્ડના અંતે સ્ટે. ચેરમેનએ વિપક્ષને પણ ભાજપનાં પ્રશ્નો ચર્ચાય ત્યારે શાંતિ રાખવા ટકોર કરી હતી. બેઠકમાં કોઈ વાદ વિવાદ પણ ન સર્જાતા કોર્પોરેટરોએ જાણે કંટાળી ગયા હોય તેમ ઝોંકા ખાઈ લીધા હતા.
આજની બેઠકમાં કોઈપણ જાતનો વાદ વિવાદ કે ધમાલ થઈ નહોતી. આથી, કોર્પોરેટરો પણ જાણે કંટાળી ગયા હોય તેમ આગલી હરોળમાં બેઠેલા પૂર્વ મેયર ડૉ.પ્રદિપ ડવ અને મહિલા વીંગમાં બેઠેલા પૂર્વ ડે. મેયર કંચનબેન સિધ્ધપુરાએ ઝોકું ખાઈ લીધું હતું. જ્યારે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા હાજરી આપીને થોડીવાર બાદ જ રવાના થઈ ગયા હતા. તો અમુક કોર્પોરેટરો જુદા-જુદા કારણો (બીડી સિગરેટ પીવા, વોશરૂમ)ના બહાને બહાર નીકળી ગયા હતા. આ બેઠકમાં ભાજપના ભારતીબેન પરસાણા, વિનુભાઈ ધવા, પરેશભાઈ પીપીળીયા, ડો. નેહલ શુકલનો રજા રિપોર્ટ હતો. જ્યારે, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, નગરસેવક ભારતીબેન પાડલીયા, અસ્મિતાબેન દેલવાડિયા અને અનિતાબેન ગોસ્વામી ગેરહાજર રહ્યા હતા. આમ કુલ 9 નગરસેવકો બોર્ડમાં હાજર રહેવાને બદલે ગેરહાજર રહ્યા હતા.