કુવાડવા જીઆઈડીસીના કારખાનામાં દારૂ પીવા બેઠા તે દરમિયાન મશ્કરીમાં ઝઘડો થતા એક શ્રમિકે ઉશ્કેરાઈ જઈ સાથી કર્મીને આડેધડ હથિયારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં શ્રમિકને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે કંપનીના માલિકની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પુષ્કરધામ મેઈન રોડ રાજવાટિકા સોસાયટી બ્લોક નં.21માં રહેતા અને કુવાડવા જીઆઈડીસીમાં પ્લોટ નં.93માં બ્રાયન ઈન્ટરનેશનલ નામની ડીઝલ એન્જિનના પાર્ટસ બનાવવાની કંપની ચલાવી વેપાર કરતા જયેશભાઈ અમૃતભાઈ વસોયાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અવધેશકુમાર શિવકુમાર સિંહનું નામ આપ્યું હતું.
યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે કંપનીએથી કામ પૂર્ણ કરી ઘરે ગયા બાદ કંપનીમાં કામ કરતા સંજયનો ફોન આવ્યો અને કહ્યું કે, અવધેશકુમાર અને વિશાલકુમાર ઝઘડો કરે છે અને લોહીલુહાણ થઈ ગયા છે. તેમ વાત કરતા તે અને તેના ભાઈ રજની કંપનીએ પહોંચ્યા હતા. વિશાલકુમાર બેભાન અવસ્થામાં પડેલ હોય જેથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ વિશાલકુમાર કંપનીમાં ચાર દિવસે પૂર્વે જ કામ માટે આવેલ હોવાનું જણાવતા પોલીસે અવધેશકુમારને સકંજામાં લઈ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરતા અવધેશકુમાર અને વિશાલકુમાર બન્ને રાત્રિના નશો કરવા બેઠા હતા. તે વેળાએ મશ્કરીમાં ઝઘડો કરવા લાગતા અવધેશે હથિયાર વડે વિશાલકુમારને આડેધડ ઘા ઝીંકી દીધા હોવાથી યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવને પગલે કુવાડવા રોડ પોલીસે આરોપી સામે હત્યાની કલમ ઉમેરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.