મનપાના નાયબ કમિશનર તરીકે હર્ષદ પટેલની પસંદગી, સિટી ઈજનેરની ભરતી પડતી મુકાઈ

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલી અલગ અલગ પદની ભરતીઓ પૈકી સિટી એન્જિનિયરની ભરતી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતી સૌથી ચર્ચાસ્પદ રહી હતી. જેમાં ડીએમસી તરીકે હર્ષદ પટેલનું નામ ઓફિસર્સ સિલેક્શન કમિટીએ ફાઈનલ કરી દેતા હવે જનરલ બોર્ડમાં દરખાસ્ત મુકાશે.

સિટી એન્જિનિયરની પાંચ જગ્યા અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની એક જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ઈન્ટરવ્યૂ પણ લેવાયા હતા. ડીએમસીની જગ્યા માટે મનપાના આસિ. કમિશનર હર્ષદ પટેલ, સમીર ધડુક, એચ.પી. રૂપારેલિયા સહિતનાઓએ ઈન્ટરવ્યૂ આપ્યા હતા. જ્યારે સિટી એન્જિનિયરની ભરતી માટે તો 30 જેટલા ઉમેદવારો આવ્યા હતા. દિવ્ય ભાસ્કરે અગાઉ જ જાહેર કરી દીધું હતું કે, ડીએમસી તરીકે હર્ષદ પટેલની જ પસંદગી થશે. ઈન્ટરવ્યૂ બાદ મ્યુનિસિપલ કમિશનરે ફાઈનલ યાદી ઓફિસર્સ સિલેક્શન કમિટીને મોકલી હતી અને જેની સોમવારે બેઠક મળતા હર્ષદ પટેલની નિમણૂક નક્કી થઈ છે. તેઓના નામની દરખાસ્ત હવે જનરલ બોર્ડમાં મુકાશે અને ત્યાં મંજૂરી મળતા તે દિવસથી નિમણૂક ગણાશે.

ડીએમસી ઉપરાંત સિટી એન્જિનિયરની પણ ફાઈનલ યાદી મ્યુનિસિપલ કમિશનરે મોકલી હતી. જોકે આ ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂ બાદ જ ભારે વિવાદ થયા હતા. ગેરરીતિ, ભ્રષ્ટાચાર, લાગવગ સહિતના આક્ષેપો થયા હતા. આ ઉપરાંત ઘણા નગરસેવકોએ તો લેખિતમાં પણ ફરિયાદો કરી હતી અને તેમાં કોની લાગવગ છે અને કઈ રીતે નાણાકીય વહીવટ કરાઈ રહ્યો છે તેવી પણ બાબતો હતી. જેને લઈને ભાજપની સંકલનમાં નિર્ણય લેવાયો હતો કે, હવે આ મામલે કોઇ કાર્યવાહી આગળ કરવી નહીં. જેથી આ ભરતી પ્રક્રિયા અટકી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *