શહેરના લાતી પ્લોટમાં રહેતા પરપ્રાંતીય યુવક અને તેના મિત્રને છરી બતાવી રૂ.7500 લૂંટી લીધાનો ગુનો પોલીસ દફતરે નોંધાયો હતો. લૂંટની વાત શંકાસ્પદ હોવાનું દિવ્ય ભાસ્કરે પ્રથમ દિવસે જ કહી દીધું હતું અને પોલીસ તપાસમાં પણ એ ચિત્ર સ્પષ્ટ થતાં પોલીસે લૂંટની કલમ હટાવવાની કાર્યવાહીકરી હતી.
લાતી પ્લોટમાં રહેતા ઉત્તર પ્રદેશના વતની મોહિત દિનેશ ગૌતમે (ઉ.વ.19) બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. મોહિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે પોતે તથા તેનો મિત્ર છુટકાકુમાર ભગવતીપરા પુલ નીચેથી પસાર થતાં હતા ત્યારે ત્રણ શખ્સ ધસી આવ્યા હતા અને તેમણે છરી બતાવી તેમની પાસે રહેલા રોકડા રૂ.7500 લૂંટી લીધા હતા. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એસઓજીની ટીમે ગણતરીની કલાકોમાં જ ભગવતીપરાના કુલદીપ ઉર્ફે રાજ મોહન મકવાણા તથા જય ઉર્ફે જયલો વિક્રમ મકવાણાને ઝડપી લીધા હતા. આ ઘટનામાં તેની સાથે રોહિત ધર્મેન્દ્ર દંડૈયા પણ સામેલ હોવાનું ખૂલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
ઉત્તર પ્રદેશના વતની મોહિત ગૌતમને આરોપીઓ સાથે કોઇ મુદ્દે માથાકૂટ થઇ હતી, પરંતુ રોકડ રકમની લૂંટ થઇ તે વાત શંકાસ્પદ છે, બીજીબાજુ બી-ડિવિઝનના પીઆઇ રહાણે સહિતની ટીમે ફરિયાદીમોહિત અને ઝડપાયેલા બંને આરોપીઓની ઊલટ પૂછપરછ કરતાં શંકા સાચી ઠરી હતી. મોહિતે કબૂલાત આપી હતી કે, ત્રણેય આરોપીઓએ મારકૂટ કરી હતી અને જેથી તેને ગંભીર ગુનામાં ફિટ કરી દેવાની લાલસાએ લૂંટની સ્ટોરી ઊભી કરી હતી. પોલીસે લૂંટની કલમ દૂર કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો.