શહેરમાં હાલ શિયાળાની ઠંડીને બદલે ચોમાસા જેવી ઠંડક પ્રસરી છે. હાલ ઓક્ટોબરમાં જે સમયે ઠંડી શરૂ થઇ જવી જોઈએ, ગુલાબી ઠંડીનો અનુભવ થવો જોઈએ તે સમયે હાલ માવઠાને કારણે ચોમાસા જેવી ઠંડક શહેરભરમાં પ્રસરી છે. 2020 પછી પહેલીવાર રાજકોટમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ 19 મીમી વરસાદ પડ્યો છે. 28મીએ શહેરમાં રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 12 મીમી તથા વેસ્ટ ઝોન વિસ્તારમાં 19 મીમી અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 10 મીમી વરસાદ વરસી ગયો હતો.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે રાજકોટના હવામાનમાં મોટો અને અસામાન્ય પલટો આવ્યો છે. મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થયો છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 28.3°C નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 10.7°C ઓછું છે. આ ઘટાડો સૂચવે છે કે વરસાદી માહોલને કારણે ગરમીમાં નોંધપાત્ર રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં એક જ દિવસમાં 15.6 મીમી વરસાદ થયો’તો, આ વર્ષે પણ 19 મીમી વરસી ગયો છે.
ચાર દિવસના ચોમાસું માહોલ બાદ બુધવારે મોડી સવારે સૂર્યદેવતાએ દર્શન દેતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે દિવસ દરમિયાન સૂર્યદેવતા અને વાદળો વચ્ચે સંતાકૂકડી રમાતી રહી હતી. વાતાવરણ પણ ઠંડું રહ્યું હતું. જોકે સાંજે 4 વાગ્યા બાદ ફરી રાજકોટમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ ફરી અરબી સમુદ્રમાં એકસાથે ત્રણ સિસ્ટમ સર્જાતા રાજ્યભરને વરસાદે ધમરોળી નાખ્યું છે.