11 નવે.થી 12 ફેકલ્ટીના 53 કોર્સની સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અન્ડર ગ્રેજ્યુએટ (UG) સેમેસ્ટર-5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-3ની પરીક્ષાઓ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષાઓ 11 નવેમ્બર 2025થી શરૂ થશે, જ્યારે કેટલીક મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ 19 અને 25 નવેમ્બરથી યોજાશે. યુનિવર્સિટીએ તમામ ફેકલ્ટીઓ માટે સમયપત્રક જાહેર કરતાં વિદ્યાર્થીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ તુરંત જ કોલેજોમાં પરીક્ષાનો માહોલ છવાઈ જશે.

યુનિવર્સિટીએ કોલેજો અને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, પરીક્ષા દરમિયાન કડક નિયમો લાગુ રહેશે. કોઈ પણ પ્રકારની અયોગ્ય હરકત સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સત્તાવાર ટાઈમટેબલ અને સીટ નંબરની માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ તપાસવી રહેશે. સાથે સાથે, પરીક્ષા સંબંધી કોઈ તાકીદની માહિતી માટે યુનિવર્સિટીના ઈ-મેલ exam01@sauuni.ac.in પર સંપર્ક કરી શકાશે.

યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજોના આચાર્યો અને ભવનના અધ્યક્ષોને સ્પષ્ટ સૂચના આપી છે કે, યુનિવર્સિટીની પરીક્ષાઓનું કેન્દ્ર તે જ કોલેજ/સંસ્થા રહેશે. આથી, પરીક્ષાના સમયગાળા દરમિયાન કોલેજ કે સંસ્થામાં અન્ય કોઈ પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે નહીં, જેથી યુનિવર્સિટીની પરીક્ષાની વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે. આ તારીખ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને સત્વરે તૈયારીઓ પૂર્ણ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

યુજી અને પીજીના આટલા કોર્સની પરીક્ષા લેવાશે 11 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષામાં UG અને PG કક્ષાના વિવિધ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 માટે મુખ્ય કોર્સમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે B.A., મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે B.B.A., કમ્પ્યૂટર એપ્લિકેશનના વિદ્યાર્થીઓ માટે B.C.A., કોમર્સના વિદ્યાર્થીઓ માટે B.COM, અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે B.SC. ની પરીક્ષાઓ સવારના સેશનમાં યોજાશે. આમ જુદી જુદી ફેકલ્ટીના કુલ 53 કોર્સની પરીક્ષા લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *