શાપરમાં સિટી બસના ચાલકને બાઈકચાલકની ધમકી: કાચ ફોડ્યો

શાપર-વેરાવળમાં સિટી બસના ચાલકને રાજકોટમાં રહેતા બાઇકચાલકે ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં પથ્થરનો ઘા કરી કાચ તોડી નાખતા રૂ.15 હજારનું નુકસાન કર્યું હતું. જે અંગે બસચાલકે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના વતની અને હાલ રાજકોટમાં રૈયા ચોકડી પાસે સિટી બસ ડેપોમાં રહેતા અને સિટી બસ ચલાવનાર બળવંતભાઇ રમેશભાઇ ચૌહાણ(ઉ.વ.41) દ્વારા શાપર-વેરાવળ પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ધર્મરાજસિંહ મુકેશભાઈ બારડનું નામ આપ્યું છે.

બળવંતભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ મહાનગરપાલિકાની રૂટ નં.80ની બસ લઈને શાપરથી પેસેન્જર ભરી રાત્રિના પોણા આઠેક વાગ્યે રાજકોટ જવા નીકળ્યો હતો ત્યારે આઠેક વાગ્યે ખોડિયાર હોટેલથી સર્વિસ રોડ પર સરદાર હાઇટ્સ પાસે પહોંચતા સામેથી ફોર-વ્હિલ કાર આવતી હોય જેથી બસ સાઈડમાં લેતા એક બાઇકચાલક બસ આગળ થયો હતો. આ શખ્સે બસ રોકાવી તેને કહ્યું હતું કે, તું બસ નીચે ઉતર જેથી પોતે કહ્યું હતું કે, શું કામ છે તો આ શખ્સે કહ્યું તું નીચે આવીને વાત કર. જે બાદ પોતે બસમાંથી નીચે ઉતરતાં આ શખ્સે ગાળો આપી કહ્યું હતું કે, તારી બસ કેમ મારી બાજુ દબાવીને ચલાવશ? જેથી પોતે કહ્યું હતું કે, સામેથી ફોર વ્હિલ આવતી હોય જેથી બસ સાઈડમાં લીધી હતી અને તમારી સાથે ભટકાયેલ નથી.

આ સાંભળી ઉશ્કેરાયેલા આ શખ્સે તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને સાઈડમાં પથ્થર લઈ બસના કાચ પર મારી કાચ ફોડી નાખ્યો હતો. દરમિયાન કંડક્ટરે બાઈકનો ફોટો પાડી લેતા તેણે કહ્યું હતું કે, મારું નામ ધર્મરાજસિંહ બારડ છે હું રાજકોટમાં રહું છે. આ અંગે સિટી બસના ચાલકની ફરિયાદ પરથી શાપર પોલીસે આરોપી સામે બસ ચાલકને ગાળો અને ધમકી આપવા તથા પથ્થર મારી બસમાં રૂ.15 હજારનું નુકસાન કર્યા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *