રાજકોટમાં કારનું ડાઉન પેમેન્ટ ઓળવી જઈ યુવક સાથે રૂપિયા 5 લાખની ઠગાઈ

શહેરના યાજ્ઞિક રોડ, ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં.1માં રહેતા સંદીપ સવજીભાઈ પરમાર(ઉં.વ.40) દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયૂર મગનભાઈ માલાનું નામ આપ્યું હતું.

સંદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ફૂલછાબ ચોક પાસે આવેલ સ્ટાર પ્લાઝામાં ઓફિસબોય તરીકે નોકરી કરે છે. વર્ષ 2023માં જુલાઈ માસમાં તેણે કાર લેવાની હોઈ જેથી પરિચિત દ્વારા તેણે આર.કે.એમ્પ્યાર 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડી નજીક આવેલ માધવ ઓટો ફાઈનાન્સના મયૂરભાઈ માલા સાથે ઓળખાણ કેળવી હતી. જેથી આ મયૂરભાઈએ તે સમયે અર્ટિગા કારનું રૂ.12.65 લાખ કોટેશન કાઢી આપ્યું હતું. જે બાદ તા.24/06/2023ના રોજ મયૂરભાઈનો કોલ આવેલો અને કહ્યું કે, કટારિયા ચોકડી પાસે આવેલા શો-રૂમની અંદર પૈસા આપી જજો. જેથી તેણે મયૂરભાઈને રૂ.5.50 લાખ રોકડ રકમ આપી હતી.

આ મયૂરભાઈએ 10-15 દિવસ બાદ કારની ડિલિવરી મળી જશે એમ કહ્યું હતું, પરંતુ સમયસર કારની ડિલિવરી ન થતા તેણે કોલ કરી પેમેન્ટ પરત માગ્યું હતું. આમ છતાંય રકમ પરત ન આપતા આ મામલે યુવકની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *